ૐ
શ્રી પંચપરમેષ્ઠીને નમ:
શ્રી નિજ શુદ્ધાત્માને નમઃ
શ્રી સદગુરુદેવાય નમઃ
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ
અપૂર્વ સ્પષ્ટીકરણ
અધ્યાત્મ યુગપુરુષ
પૂજ્ય કહાનગુરુદેવના
અનન્ય શિષ્યરત્ન, આત્મજ્ઞ,
પૂજ્ય 'ભાઈશ્રી' લાલચંદભાઈના
'દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ'
અપૂર્વ સ્પષ્ટીકરણરૂપ પ્રવચનો
પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન:
શ્રી કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ
'સ્વીટ હોમ', જાગનાથ પ્લોટ,
શેરી નં-૬, જીમખાના રોડ,
રાજકોટ - ૩૬૦ ૦૦૧. (સૌરાષ્ટ્ર)
(ટ્રસ્ટ, ૯૪૨૯૦ ૮૮૮૭૯)
(સમકિત મોદી, ૯૮૨૫૫ ૮૨૫૪૯)
વીર સંવત ૨૫૪૯ | વિક્રમ સંવત ૨૦૭૯ | ઈ.સ. ૨૦૨૩ |
-: પ્રકાશન :-
|
પૂ. “ભાઈશ્રી” લાલચંદભાઈ મોદીના ૧૧૪ મી જન્મદિન પ્રસંગે તા. ૨૯-૫-૨૦૨૩, સોમવાર, જેઠ સુદ-૯ |
|
પ્રથમ આવૃતિ - ૩૦૦
પડતર કિંમત ૪૪૦ રૂપીયા (અંદાજીત) મૂલ્ય - સ્વાધ્યાય |
પ્રવચનોની ઉપલબ્ધિ | |
ઓડિઓ, વિડિયો, લિખિત તથા સબટાઇટલ્સ | AtmaDharma.com & AtmaDharma.org |
વિડિયો તથા સબટાઇટલ્સ | YouTube.com/LalchandbhaiModi |
Telegram: જાહેરાતો | t.me/Lalchandbhai |
WhatsApp: જાહેરાતો | https://atmadharma.com/ lalchandbhai.html#NewLectures |
Telegram: જાહેરાતો અને તત્ત્વ ચર્ચા | t.me/DhyeyPurvakGyey |
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ - અપૂર્વ સ્પષ્ટીકરણમાંથી ખાસ વિણેલાં બિંદુઓ |
અહો ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો,
જિનકુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ કહાનનો.
વર્તમાન શાસન નાયક મહાવીર ભગવાનથી પ્રગટ થયેલી દિવ્યધ્વનિની પરંપરામાં કળિકાળ સર્વજ્ઞ એવા શ્રી કુંદકુંદાચાર્યદેવ બે હજાર વર્ષ પૂર્વે થયા. તેઓશ્રીએ વર્તમાન મહાવિદેહક્ષેત્રે બિરાજમાન શ્રી સીમંધર ભગવાનની સુખાનંદથી વહેતી દિવ્ય દેશનાને પ્રત્યક્ષ સદેહે ત્યાં જઈ સાક્ષાત મૂર્તિમંત કરીને ભરતક્ષેત્રમાં લાવીને દ્વિતીય શ્રુતસ્કંધમાંના સમયસાર આદિ પંચપરમાગમોની રચના કરી. ત્યારબાદ એક હજાર વર્ષ પૂર્વે આ કાળના હાલતા ચાલતા સિદ્ધ એવા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ થયા. તેમણે સમયસાર આદિ અનેક શાસ્ત્રોની ટીકા કરી.
આ પરંપરામાં મોક્ષમાર્ગ પ્રાયે: લોપ જેવો જ થઈ ગયેલો. મિથ્યાત્વ ગળાડૂબ થઈને તેનું એક છત્ર રાજ શરૂ થયેલું. તેવામાં જ જૈનશાસનમાં એક આધ્યાત્મિક મહાપુરુષ, આત્મજ્ઞસંત, નિષ્કારણ કરુણાના સાગર અને ભાવિ તિર્થાધિરાજ એવા નિર્ભય-નિડર અને નિશંક સિંહપુરુષ પરમ પૂજય શ્રી કાનજીસ્વામીનો જન્મ થયો. તે પુરુષે આચાર્યોના હૃદયમાં પેસીને ચારે પડખેથી શાસ્ત્રોનો નિચોડ કાઢીને, પરમાગમના રહસ્યોને પોતાની પ્રજ્ઞાથી આત્મસાત્ કરીને, ભવ્યજીવોના શ્રેયાર્થે ૪૫ વર્ષ સુધી અતૂટ ધારાથી દેશનાની શૃંખલા વરસાવીને, અસંખ્ય જીવોને આધ્યાત્મિક વાતાવરણમાં તરબોળ કરી દીધા. ઘણાં જીવોએ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના નિમિત્તે પોતાના આત્મસ્વરૂપને સમજીને આત્મસાત્ કર્યું.
પૂજય ગુરુદેવશ્રીના ૪૫ વર્ષના સોનગઢના સુવર્ણકાળ દરમ્યાન અનેક શિષ્યરત્નો થયા. તેમાંના એક પ્રમુખ શિષ્યરત્ન એવા આદરણીય પૂજ્ય શ્રી લાલચંદભાઈ થયા. પૂજ્ય ભાઈશ્રીએ ઘણો સમય સોનગઢ પૂજય ગુરુદેવશ્રીની નિશ્રામાં રહી, આચાર્ય ભગવંતોના મૂળ તાત્ત્વિક રહસ્યોને પોતાના જ્ઞાનસરોવરના પ્રકાશ સાથે મેળવીને આચાર્ય ભગવાન તથા પૂજય ગુરુદેવશ્રીએ જે રીતે શુદ્ધાત્માનું રહસ્ય ચારે પડખેથી વિસ્તૃત કરેલ છે તેને બરાબર અવધારીને છઠ્ઠી ગાથાના નિમિત્તે પોતાના શુદ્ધાત્માનો સ્પર્શ કરી અતીન્દ્રિય આનંદનો સ્વાદ ચાખી લીધો.
અનુભવ કેમ થાય એની આ પુસ્તકમાં વિધિ છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે આ. હું તો ત્રિકાળ મુક્ત છું, એમ ત્રિકાળ અકારક-અવેદક છું. એમ પોતાનો જે આત્મા જેવો છે એ આત્માને વિકલ્પ દ્વારા, મનના સંગ દ્વારા, રાગના સંબંધવાળા જ્ઞાન દ્વારા, જે જ્ઞાનનુ લક્ષ રાગ ઉપર છે હજી, એવા જ્ઞાન દ્વારા, એ વિચાર કરે છે વસ્તુનો, તો એને મિથ્યાત્વ તો ગળે છે પણ મિથ્યાત્વ ટળીને સમ્યગ્દર્શન થતું નથી. અહીંયા સુધી આવ્યા પછી:
એને નયોના વિકલ્પ કેમ છૂટે?
અને સાક્ષાત અનુભવ કેમ થાય?
એ આ 'દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ - અપૂર્વ સ્પષ્ટીકરણ' પુસ્તકમાં તેની સ્પષ્ટતા બહુ જ સુંદરતાથી પૂજ્ય શ્રી લાલચંદભાઈએ કરેલ છે.
આ પુસ્તક પૂજ્ય ભાઈશ્રીના ૧૧ વિડીયો પ્રવચન નંબર LA૪૦૪, LA૪૦૫, LA૪૦૬, LA૪૦૭, LA૪૦૮, LA૪૦૯, LA૦૬૬, LA૦૬૭, LA૦૬૮, LA૪૧૦ તથા LA૪૧૧ ને અક્ષરશઃ પ્રવચનોના રૂપમાં પ્રકાશિત કરવામાં આવેલ છે.
આ દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ પર પૂજ્ય શ્રી લાલચંદભાઈની અપૂર્વ સ્પષ્ટીકરણરૂપ વાણીના વિડિયો રેકોર્ડીંગ બ્ર. સંધ્યાબેન જૈન (શિકોહાબાદ) દ્વારા કરેલ છે. સંસ્થા આ કાર્ય બદલ તેમનો આભાર વ્યક્ત કરે છે.
અક્ષરશઃ પ્રવચન લખવાનું, ટાઇપિંગનું (typing) અને પ્રૂફ રીડિંગનું (proof reading) કાર્ય પૂજ્ય શ્રી લાલચંદભાઈ અમરચંદભાઈ મોદી અક્ષરશઃ પ્રવચન ટીમે (team) તૈયાર કરેલ છે. સંસ્થા આ કાર્ય બદલ આખી ટીમનો આભાર વ્યક્ત કરે છે.
આ પુસ્તકનું પ્રિન્ટિંગ તથા બાઈન્ડીંગનું કાર્ય Design Scope વાળા અમરભાઈ પોપટ તથા Sharp Offset Printers વાળા ધર્મેશભાઈ શાહ દ્વારા થયું છે. સંસ્થા તેમનો આભાર માને છે.
આ પુસ્તક બે વેબસાઇટ પર ઉપલબ્ધ છે:-
AtmaDharma.com અને AtmaDharma.org
અમારા ટ્રસ્ટનું આ ૨૦ મું પુસ્તક છે. આ પુસ્તકમાં અજાણતા કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે બદલ અમો ક્ષમા ચાહીએ છીએ. ભૂલ મળે તો atmadharma.com@gmail.com પર જણાવશો.
અંતમાં આ 'દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ - અપૂર્વ સ્પષ્ટીકરણ' પુસ્તકમાં સ્વભાવનું સ્પષ્ટીકરણ જે પૂજ્ય શ્રી લાલચંદભાઈએ કરેલ છે તેવો સ્વભાવ, સર્વ જીવોને, પક્ષાતિક્રાંત થઈ અને પ્રાપ્ત થાય, તેવી મંગલ ભાવના.
લી.
ટ્રસ્ટી શ્રી કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ, રાજકોટ
૧. ‘હું અકારક, હું અવેદક’ એવો જે વિકલ્પ, 'હું જાણનાર, કરનાર નહિ, હું તો જાણનાર’ એવો વિકલ્પ, એ સંસાર છે.
૨. ભૂતાર્થનયથી જાણ જ્ઞાનને તો નિરાલંબી દેખાશે. ત્રિકાળી દ્રવ્ય તો નિરાલંબી છે પણ જે ઉપયોગમાં આત્મા જણાય છે એ પણ નિરાલંબી છે. સત્ અહેતુક છે, પર્યાયમાં પણ.
૩. ધ્યેયમાં ધ્યાનની નાસ્તિ છે એવી ધ્યેયની અસ્તિ છે, એનો અનુભવ એ મસ્તી!
૪. શ્રદ્ધા સ્વભાવથી એકાંત. જ્ઞાન સ્વભાવથી અનેકાંત. શ્રદ્ધાનો વિષય એકાંતિક છે. શ્રદ્ધા સાચી થાય તો જ્ઞાન અનેકાંતિક, બે નયનો જ્ઞાતા. શ્રદ્ધા ખોટી હોય તો જ્ઞાન ખોટું. જ્ઞાન ખોટું હોય તો બે નયનો જ્ઞાતા ક્યાંથી થાય?
૫. બે નયોના વિષયને સમાનપણે સત્યાર્થ માને અને એનું શ્રદ્ધાન કરે, તો શ્રદ્ધાન ન પ્રગટ થાય.
૬. (૧) નયજ્ઞાન સાપેક્ષ છે. (૨) નય વિકલ્પરૂપ છે અને (૩) નય અંશગ્રાહી છે.
૭. દ્રવ્યને પણ સ્વભાવથી જુઓ, જ્ઞાનની પર્યાયને પણ એના સ્વભાવથી જુઓ, નયથી ન જુઓ. ત્યારે વિકલ્પ છૂટી જશે.
૮. પર્યાયના બે સ્વભાવ બતાવ્યા. એક તો પર્યાય થવા યોગ્ય થાય છે. અને બીજું - આ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જ જણાય છે, સ્વભાવથી જ જણાય છે. પર્યાય સ્વતંત્રપણે કર્તા થઈને દ્રવ્યનું લક્ષ કરે છે.
૯. સ્વભાવમાં નય નથી. સ્વભાવનું જે જ્ઞાન પ્રગટ થાય છે એમાં પણ નય ન હોય.
૧૦. સમ્યગ્દૃષ્ટિ થયા પછી બે નયોનો જ્ઞાતા થાય. સમ્યગ્દર્શન થવા પહેલા બે નયોનો કર્તા હોય, જ્ઞાતા ન હોય.
૧૧. નયોના વિકલ્પ છે, એ શરીરનો એક ભાગ છે, જ્ઞેયનો ભેદ છે, જ્ઞાનનો ભેદ નથી.
૧૨. પૂર્વે અનંતવાર દ્રવ્યલિંગી મુનિ થયો, નયજ્ઞાન સુધી આવી ગયો, અને વ્યવહારનય હેય છે ત્યાં સુધી આવ્યો, પણ નિશ્ચયનય ઉપાદેય છે એમ (શલ્ય) રહી ગયું.
૧૩. વ્યવહારનો પક્ષ સૂક્ષ્મ રહી જાય છે, આ નિશ્ચયનો પક્ષ એટલે વ્યવહારનો પક્ષ છે.
૧૪. નિષેધનો પણ વિકલ્પ નહિ, વિધિનો પણ વિકલ્પ નહિ, વિકલ્પ માત્ર ટળી જાય છે અને સ્વભાવમાં ઢળી જાય છે, ત્યારે સ્વાનુભવ થાય છે.
૧૫. શ્રદ્ધા નિર્વિકલ્પ હોવાથી બળવાન છે. જ્ઞાનની પર્યાય સવિકલ્પ હોવાથી કમજોર છે. શ્રદ્ધાના બળે જ ઉપયોગ અંદરમાં આવે છે. કેમકે 'હું પરને જાણતો નથી’ એમાં જ્ઞાનનું બળ નથી પણ શ્રદ્ધાનું બળ છે.
૧૬. 'આત્મા પરને જાણતો નથી' એ શ્રદ્ધાનું બળ છે. અને 'હું પરને જાણું છું' એ મિથ્યાત્વ છે, જ્ઞાનનો દોષ નથી. શ્રદ્ધાના દોષથી જ્ઞાનનો દોષ આવ્યો છે.
૧૭. એક જ્ઞાન સાચું કરવા જાય છે પણ શ્રદ્ધા એની વિપરીત રહે છે, એ એને ખબર નથી પડતી.
૧૮. સ્વભાવ સર્વથા હોય.
૧૯. સ્યાદ્વાદનો - કથંચિત્ નો અભાવ હોવા છતાં, સર્વથામાં આવીશ તો પણ નિશ્ચયાભાસ નહિ થાય, અનુભવ થઈ જશે, જા!
૨૦. આત્મામાં સ્યાદ્વાદનો અભાવ, પણ અનુભવજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્ભાવ.
૨૧. અનંતા નય છે, એકેક પદાર્થ અનંત ગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે.
૨૨. ગુણ હોય એની પર્યાય હોય અને ધર્મ હોય એની પર્યાય ન હોય. ગુણ નિરપેક્ષ છે અને ધર્મ સાપેક્ષ છે - ધર્મ પરસ્પર સાપેક્ષ છે.
૨૩. એકેક નય દ્વારા એકેક ગુણને જાણો, એકેક નય દ્વારા એકેક ધર્મને જાણો, તો અનંતકાળ ચાલ્યો જાય પણ આત્માનો અનુભવ ન થાય. એની રીત કાંઈક બીજી હોવી જોઈએ.
૨૪. જ્ઞાનીને એક ગુણ પ્રત્યે પણ ઉપયોગ જાતો નથી તેમ એક ધર્મ પ્રત્યે પણ ઉપયોગ જાતો નથી, ધર્મી પ્રત્યે ઉપયોગ લાગેલો છે, એમાં ધર્મો જણાય જાય છે.
૨૫. સામાન્ય ઉપર જ્યાં ઉપયોગ લાગ્યો, ત્યાં સામાન્ય-વિશેષ બધું આખું જ્ઞેય, અનંત ગુણાત્મક અને અનંત ધર્માત્મક આખું જ્ઞેય, ધ્યેય પૂર્વક જ્ઞેય થઈ જાય છે, જણાઈ જાય છે. ધ્યેયનું ધ્યાન અને જ્ઞેયનું જ્ઞાન, સમય એક.
૨૬. કર્તા અને ભોક્તાપણું પર્યાયનો ધર્મ છે. અકારક અને અવેદક એ દ્રવ્યનો સ્વભાવ છે.
૨૭. દ્રવ્યનો સ્વભાવ, સ્વભાવથી જ અકારક-અવેદક છે. રાગને પણ કરતો નથી અને વીતરાગભાવને પણ કરતો નથી. દુ:ખને પણ ભોગવતો નથી અને આનંદને પણ ભોગવતો નથી.
૨૮. દ્રવ્યને કર્તા-ભોક્તા કહેવો એ વિભાવ અને કર્તા-ભોક્તા માનવો તે મિથ્યાત્વ.
૨૯. 'નયાતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે', નયથી આત્માનો અનુભવ થતો નથી. અનુભવના કાળે નય રહેતી નથી.
૩૦. દ્રવ્યનો સ્વભાવ તે નયાતીત છે. એમાં નય નથી અને એને પ્રસિદ્ધ કરનાર જ્ઞાન, એમાં પણ નય નથી. નય તો માનસિક જ્ઞાનનો ધર્મ છે. એ ઇન્દ્રિયજ્ઞાનનો ધર્મ છે, નય. વિકલ્પવાળી નય છે આ.
૩૧. કોઈને નયનું જ્ઞાન ન હોય તો પણ અનુભવ થઇ જાય.
૩૨. નિશ્ચયનયે અકર્તા છું એ તારો વિકલ્પ સાચો છે, વિકલ્પ ખોટો નથી, પણ તેથી શું?
૩૩. ત્રણ પાઠ:- (૧) 'લાકડાને બાળે તેને અગ્નિ કહેવામાં આવે' - પરાશ્રિત વ્યવહાર. (૨) 'અગ્નિ ઉષ્ણ છે' - ભેદરૂપ વ્યવહાર. (૩) અગ્નિ તો અગ્નિ છે' - પરાશ્રિત વ્યવહાર ગયો, ભેદાશ્રિત વ્યવહાર ગયો અને અભેદ વસ્તુ અનુભવમાં આવી.
૩૪. ત્રણ પાઠ:- (૧) છ દ્રવ્યને જાણે તેને જ્ઞાન કહેવામાં આવે, અસદ્ભૂત વ્યવહારના લાકડા એવા ઘૂસી ગયા. (૨) પછી જ્ઞાન તે આત્મા, એ ભેદનું લાકડું ગળી ગયું. (૩) પછી જ્ઞાયક તો જ્ઞાયક છે. બન્ને લાકડા નીકળી ગયા અને અનુભવ થઇ જાય.
૩૫. નય સાપેક્ષ હોય અને સ્વભાવ નિરપેક્ષ હોય.
૩૬. નિશ્ચયનય તો માત્ર સ્વભાવનો ઇશારો કરે છે. વ્યવહારનયમાં તો સ્વભાવનો ઇશારો કરવાની શક્તિ પણ નથી.
૩૭. સ્વભાવ નયથી સિદ્ધ ન થાય, સ્વભાવ સ્વભાવથી જ સિદ્ધ થાય.
૩૮. દ્રવ્ય પર્યાયને કરે નહિ કેમ કે પર્યાય ભિન્ન છે. એકમાં બીજાની નાસ્તિ છે, તો પર્યાયને કેમ કરે?
૩૯. આત્મા પર્યાય માત્રથી ભિન્ન છે, તો પર્યાય સર્વથા ભિન્ન છે કે કથંચિત્ ભિન્ન-અભિન્ન છે?
૪૦. પર્યાય દ્રવ્યને અડતી નથી, દ્રવ્ય પર્યાયને અડતું નથી. સત્તા એક છે અને સત્ બે છે.
૪૧. उत्पाद व्यय ध्रौव्ययुक्त्तं सत्त्, સત્તા એક, પણ સત્ એમાં ત્રણ છે - ઉત્પાદ સત્, વ્યય સત્ અને ધ્રુવ સત્ છે.
૪૨. આત્મા પહેલા બંધને કરે અને પછી બંધને છોડે અને પછી મોક્ષને કરે? એમ પછી કે પહેલા કાંઈ છે નહિ. એ તો પ્રથમથી જ અકારક છે.
૪૩. જેમ શુભાશુભ ભાવ બંધનું કારણ છે, એમ નયોના વિકલ્પ પણ બંધનું કારણ છે.
૪૪. વ્યવહારનયનો વિકલ્પ અને નિશ્ચયનયનો વિકલ્પ બંધનું કારણ હોવા છતાં પણ આત્માના દ્રવ્ય અને પર્યાયનો નિર્ણય કરવા માટે, પ્રાથમિક ભૂમિકામાં, એને વ્યવહારનયે સાધન પણ કહેવામાં આવે છે.
૪૫. વ્યવહારનયે જ્ઞાન પરને જાણે છે એમ નથી અને નિશ્ચયનયે જ્ઞાન સ્વને જાણે છે એમ પણ નથી.
૪૬. જ્ઞાન ઉત્પાદરૂપ થાય છે એ ઉત્પાદરૂપ પર્યાય ધ્રુવને જ પ્રસિદ્ધ કરે છે, પરને નહિ.
૪૭. જ્ઞાનનો પર્યાય, એનો વિષય બદલાવતો નથી. આ જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત ચાલે છે. આ સમ્યગ્જ્ઞાન-મિથ્યાજ્ઞાનની વાત નથી.
૪૮. જ્ઞાનની પર્યાયનો અનાદિ-અનંત એવો સ્વભાવ છે, કે એ જ્ઞાન જે ઉત્પન્ન થાય છે તે પોતાના આત્માને જ જાણતું પ્રગટ થાય છે, કેમ કે ઉપયોગથી આત્મા અનન્ય છે.
૪૯. જે સામાન્યનું વિશેષ હોય, તે વિશેષ તેના જ સામાન્યને પ્રસિદ્ધ કરે, બીજાને ન કરે.
૫૦. લક્ષ્યને પ્રસિદ્ધ કરે અને અલક્ષ્યને પ્રસિદ્ધ ન કરે, એને લક્ષણ કહેવામાં આવે છે.
૫૧. જ્ઞાનની પર્યાય આત્માને જાણતાં-જાણતાં, એમાં લોકાલોકનો પ્રતિભાસ થાય છે. આ પ્રતિભાસને પરપ્રકાશક કહેવાય.
૫૨. સૂર્યનો પ્રકાશ મકાનને પ્રસિદ્ધ કરે છે, સૂર્યને પ્રસિદ્ધ નથી કરતો - એમ કોઈ કહે ગાંડો તો? તો એ સૂર્યને પ્રસિદ્ધ નહિ કરે એનો પ્રકાશ? અંધારું થઈ જશે પ્રકાશમાં? નહિ થાય.
૫૩. એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કર્યા કરે છે, સમયે-સમયે. આ અનુભવનો સહેલામાં સહેલો ઉપાય છે.
૫૪. જ્ઞાનની પર્યાય આત્માને જાણે છે. કઈ નયથી? પ્રશ્ન જ નથી, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ છે.
૫૫. નિર્ણયમાં આવી ગયો એમ જે માને, નિર્ણયને આગળ કરે, એ તો નિર્ણયમાં પણ નથી. નિર્ણયમાં જ્ઞાયક તત્ત્વ આગળ હોય, એને નિર્ણય હોય.
૫૬. નિર્ણયવાળાને રાત-દિવસ એક જ્ઞાયક જ સ્મરણમાં આવતું રહે છે.
૫૭. નિર્ણયવાળો એમ જાણે છે કે આ અપૂર્વ નિર્ણયનો મારામાં અભાવ છે કેમ કે એ પર્યાય છે.
૫૮. વ્યવહારનયનો નિષેધ કરે એનું જ નામ નિશ્ચયનય કહેવાય.
૫૯. પરને જાણતું નથી એમાં વ્યવહારનો નિષેધ થયો. નિશ્ચયનયે જ્ઞાન આત્માને નથી જાણતું એમાં નિશ્ચયનયનો નિષેધ આવ્યો. નિશ્ચયનયના વિકલ્પનો નિષેધ છે, એના વિષયનો નિષેધ નથી.
૬૦. કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે? શું અહીંયાં પ્રયોજન સિદ્ધ કરવું છે? એ સમજવું જોઈએ.
૬૧. એ નથી ભોગવતો આનંદને ત્યારે જ આનંદ પ્રગટ થશે અને પર્યાય આનંદને ભોગવશે, ભોગવશે અને ભોગવશે! એમ જ્ઞાન જાણશે કે પર્યાય ભોગવે છે, હું ભોગવતો નથી.
૬૨. હું અકારક અને અવેદક છું, હું પરિણામનો કરનાર અને પરિણામનો વેદનાર નથી.
૬૩. દ્રવ્યને દ્રવ્યના સ્વભાવથી જુઓ અને પર્યાયને પર્યાયના સ્વભાવથી જુઓ તો તને અનુભવ થઈ જશે.
૬૪. જાણનારો જણાય છે વર્તમાનમાં, અને જણાયા કરે છે, કોઈ કાળે જ્ઞાન જાણવાનું છોડતું જ નથી. તો પછી કેમ અનુભવ થતો નથી? કે તને ક્યાં એમ વિશ્વાસ છે કે જાણનારો જણાય છે?
૬૫. નિમિત્તના લક્ષે જાણનારો ન જણાય. ત્રિકાળી ઉપાદાનના લક્ષે જાણનાર જણાય, જણાય અને જણાય. લક્ષ ફેરવી નાખ ને!
૬૬. જાણે છે અને જણાય છે, જાણે છે અને જણાય છે, એ function (ફંકશન, કાર્ય) ચાલુ જ છે, અનાદિથી.
૬૭. 'જાણે છે ને' એ જ્ઞાન પ્રધાન કથન થયું અને 'આત્મા જણાયા કરે છે' એ જ્ઞેય પ્રધાન કથન થયું. 'જાણે છે' એ જ્ઞાન અને 'જણાય છે' તે જ્ઞેય. જાણે પણ આત્મા અને જણાય પણ આત્મા.
૬૮. જ્યાં જ્ઞેય તમારી શ્રદ્ધા-જ્ઞાનમાં રહેશે, ત્યાં જ તમારો ઉપયોગ જાશે.
૬૯. આબાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાયા જ કરે છે, પ્રયત્ન વિના હોં! કાંઈ પુરુષાર્થ ન કરવો પડે અને જણાયા જ કરે છે. જાણે છે અને જણાય છે, એવો સ્વભાવનો સ્વીકાર કરવો એનું નામ પુરુષાર્થ છે.
૭૦. પ્રકાર બે છે, નય અને પ્રમાણના. (૧)'વિકલ્પાત્મક નય' પણ હોય છે અને (૨)'નિર્વિકલ્પાત્મક નય' પણ કહેવામાં આવે છે. (૧)'વિકલ્પાત્મક પ્રમાણ' હોય છે અને (૨)'નિર્વિકલ્પ પ્રમાણ' પણ હોય છે.
૭૧. અભેદ ધ્યેયમાં પણ બેપણું નથી અને અભેદ જ્ઞેય થાય એમાં પણ બેપણું નથી. એ શું?
૭૨. ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી અને સ્વજ્ઞેય થયું, એમાં પર્યાયનો ભેદ દેખાતો નથી. છતાં ગુણો છે અને પર્યાયો પણ છે.
૭૩. જાણનારો જણાય છે એટલામાં સમ્યગ્દર્શન-જ્ઞાન થઈ જાય? એટલું બધું સહેલું છે? સ્વભાવ સહેલો હોય, વિભાવ અઘરો હોય.
૭૪. આ પ્રયોગની વાત ચાલે છે. આ વાત 'જાણનારો જણાય છે' એ ધારણાની વાત નથી.
૭૫. બે પ્રકારના અભેદ એક અભેદ થઈને જણાય છે.
૭૬. 'જાણનારો જણાય છે’ - આ સાધારણ વાત નથી, એની કિંમત કરજો બધા.
૭૭. વ્યવહારે જ્ઞાતા એટલે શું? કે મન એને જાણે છે અને કહેવાય કે આત્મા એને જાણે છે, એનું નામ 'વ્યવહારે કહેવાય'.
૭૮. નિર્મળ પર્યાયનો આત્મા વ્યવહારે કર્તા છે, વ્યવહારે કર્તા એટલે શું? કર્તા નથી, કર્તા પર્યાયનો પર્યાય છે અને ઉપચાર આવ્યો આત્મા ઉપર.
૭૯. થવા યોગ્ય થાય છે એને જાણતો નથી. થવા યોગ્ય થાય છે, એમ જાણીને 'જાણનારને જાણું છું’.
૮૦. 'ઉપચારથી કર્તા નથી’, એ કેવળજ્ઞાનનો ક્કો છે.
૮૧. નિશ્ચયનયે જ્ઞાન આત્માને જાણે છે, સ્વભાવથી દૂર થઈ ગયો. એને એમ લાગે કે હું આગળ વધ્યો પણ કાંઈ આગળ વધ્યો નથી, વિકલ્પની જાળમાં અટક્યો છે એ!
૮૨. એકને માને તો પણ સમ્યગ્દર્શન, નવને ભૂતાર્થનયે જાણે તો પણ સમ્યગ્દર્શન!
૮૩. નિશ્ચયનયે આત્માને જાણે છે તો વ્યવહારનયે પરને જાણે છે એમ આવશે. એટલે નિશ્ચયનય નહિ, પણ સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણ્યા કરે છે.
૮૪. શિષ્યોનો આ જ પ્રશ્ન છે કે અમને કેમ અનુભવ થતો નથી? નયના વિકલ્પોમાં અટકી ગયો છે એટલે.
૮૫. નિશ્ચયનય કથન યથાર્થ કરે છે. વ્યવહારનય કથન જ વિપરીત કરે છે. એમ આ બે કથનમાં એક કથન ખોટું અને એક કથન સાચું, ત્યારે તો હજી નયમાં આવ્યો કહેવાય.
૮૬. વ્યવહારનય તો અન્યથા જ કથન કરે છે. નિશ્ચયનય કથન સાચું કરે છે. તેથી પંચાધ્યાયીમાં કહ્યું કે નિશ્ચયનય ઉપર દૃષ્ટિ રાખવવાળો જ સમ્યગ્દૃષ્ટિ કહેવાય છે.
૮૭. વ્યવહાર જૂઠો ન લાગે ત્યાં સુધી તો નિશ્ચય સાચો ન લાગે!
૮૮. એક વ્યવહાર અને એક નિશ્ચય. છે બન્ને વ્યવહાર! પણ એક ભેદ દ્વારા અભેદને સમજાવે છે અને એક સીધો એભદને બતાવે છે.
૮૯. વ્યવહારનય કહે છે કે જ્ઞાન છે તે આત્મા, નિશ્ચયનય કહે છે કે જ્ઞાયક તે આત્મા. એક કહે કે જ્ઞાન આત્માને જાણે છે, બીજો કહે કે આત્મા આત્માને જાણે છે. એક ભેદ દ્વારા અને એક અભેદથી.
૯૦. 'અકર્તા છે' એ તો સ્વરૂપ છે એનું. પણ 'હું અકર્તા છું' એવો જે વિકલ્પ ઊઠે છે, ત્યારે એ વિકલ્પ એનું કર્મ બની ગયું, જ્ઞાન કર્મ ન થયું. અનુભવ ન થયો એમાં.
૯૧. નિશ્ચયનયનું વિકલ્પ સાચું, વિકલ્પની ઉપસ્થિતિ અનુભવને બાધક.
૯૨. ખરેખર તો એ આગમની ભાષા છે કે એ આત્માની ભાષા છે? એ વિચારવા જેવું છે. એ અંદરથી એને આવ્યું છે કે આગમ કહે છે અકર્તા માટે અકર્તા છે?
૯૩. 'સ્વભાવથી અકર્તા છું' એટલે 'નિશ્ચયનયથી અકર્તા છું' એવો સ્થૂળ વિકલ્પ ગયો. 'સ્વભાવથી અકર્તા છું' એવો સૂક્ષ્મ વિકલ્પ રહ્યો, પણ છૂટીને અનુભવ થાય છે, એવો સંધિકાળ છે.
૯૪. પરને જાણતો નથી અને જાણનાર જણાય છે- એવા બે વિકલ્પ ઊઠતા હતા વિધિ-નિષેધના, જ્યાં સ્વભાવમાં આવ્યો, બન્ને વિકલ્પ છૂટી જાય છે.
૯૫. નિશ્ચયનયથી સ્વીકારે એ જુદું, અને સ્વભાવથી સ્વીકારે એ જુદું. નિશ્ચયનયથી સ્વીકારે છે એ અપૂર્વ નિર્ણય નથી. સ્વભાવથી સ્વીકાર આવે એ અપૂર્વ નિર્ણય છે, એને અનુભવ ચોક્કસ થાય.
૯૬. આ નયે આવો છું, તો બીજી નયે બીજો છું, એમ આવે છે.
૯૭. નયવાળો પ્રમાણમાં જ ઊભો છે, સ્વભાવવાળો પ્રમાણને ઓળંગે છે.
૯૮. નય તો સાપેક્ષ જ છે ને? વ્યવહારનય કહો તો નિશ્ચયનય ગૌણપણે આવી જાય, નિશ્ચયનય કહો તો વ્યવહારનય ગૌણપણે આવી જાય. મુખ્ય ગૌણ હોય ને નયમાં?
૯૯. ઉપાદેય તત્ત્વમાં બે પડખાં નથી, જેનું લક્ષ કરવું છે એમાં બે પડખા નથી. જેમાં તમારે અહમ્ કરવું છે, એના બે પડખા ન હોય.
૧૦૦. નય નિરપેક્ષ ન હોય, સ્વભાવ નિરપેક્ષ હોય.
૧૦૧. પહેલા પર્યાય નક્કી ન કર, પહેલા દ્રવ્ય નક્કી કર.
૧૦૨. ચૌદે ગુણસ્થાન જીવતત્ત્વ નથી, અજીવતત્ત્વ છે. અજીવને જીવ માનવાનું છોડી દે.
૧૦૩. પર્યાયને ગૌણ કર અને દ્રવ્યના વિકલ્પનો અભાવ કર.
૧૦૪. સ્વભાવથી વિચાર તો સ્વભાવની પ્રાપ્તિ થશે.
૧૦૫. ભૂતાર્થનયે તું આત્માને જાણ એટલે શું? પર્યાયથી રહિત આત્મા છે, નાસ્તિ છે એમ આત્માને જાણ તું! ભૂતાર્થનયે પર્યાયને પણ જાણ, કે પર્યાયનો કોઈ કર્તા નથી, પર્યાય સત્ અહેતુક છે જા. તો જ દ્રવ્યદૃષ્ટિ થશે અને કર્તાબુદ્ધિ છૂટશે.
૧૦૬. ૧૧ મી ગાથામાં પર્યાયથી નિરપેક્ષ દ્રવ્ય બતાવ્યું. ૧૩ મી ગાથામાં દ્રવ્યથી નિરપેક્ષ પર્યાય છે તે બતાવ્યું. દ્રવ્યથી નિરપેક્ષ પર્યાય હોય? કે હા. પર્યાયથી નિરપેક્ષ દ્રવ્ય હોય? કે હા. તો એકાંત થશે? કે સમ્યક્ એકાંત થઈ જશે.
૧૦૭. જ્યાં કથંચિત્ કહ્યું તો સાપેક્ષ થઈ ગયું. જ્ઞાન સાચું કરવા ગયો, શ્રદ્ધા ખોટી થઈ ગઈ. પહેલા જ્ઞાન સાચું થાય જ નહિ! શ્રદ્ધા સાચી થાય તો જ્ઞાન સાચું થાય.
૧૦૮. પહેલા નિરપેક્ષ અને પછી સાપેક્ષનું જ્ઞાન હોય. નિરપેક્ષના શ્રદ્ધાનમાં, નિરપેક્ષનું જ્ઞાન અને સાપેક્ષનું જ્ઞાન, ત્રણ આવી જાય. એકલી શ્રદ્ધા નિરપેક્ષ નહિ, જ્ઞાન પણ નિરપેક્ષનું થાય છે.
૧૦૯. સ્વભાવનું અવલંબન લેતાં દ્રવ્ય-પર્યાય બન્નેનું યુગપદ એક સમયમાં જ્ઞાન થાય. નયના વિકલ્પથી અનુભવ ન થાય, બેનો જ્ઞાતા ન થાય, નય વિકલ્પનો કર્તા બની જાય.
૧૧૦. નિશ્ચયનયનો પક્ષ વ્યવહારનયના પક્ષને છોડાવે છે, અને સ્વભાવ નિશ્ચયનયના પક્ષના વિકલ્પને છોડાવે છે, ત્યારે અનુભવ થાય છે.
૧૧૧. નિશ્ચયનય એક ધર્મને સ્વીકારે છે. સ્વભાવ દૃષ્ટિમાં આખો ધર્મી આવી જાય છે.
૧૧૨. નયથી એક ધર્મ જણાતો હતો. સ્વભાવદૃષ્ટિથી આખો ધર્મી જણાઈ જાય છે.
૧૧૩. આશ્રય એકનો અને જ્ઞાન અનંતનું થઈ જાય. આશ્રય સામાન્યનો અને જ્ઞાન સામાન્ય-વિશેષ આખા આત્માનું.
૧૧૪. નિશ્ચયનય તો એક ધર્મને અંગીકાર કરે છે અને બાકીના ધર્મો રહી જાય છે.
૧૧૫. નયથી એક-એક ધર્મનું જ્ઞાન થાય. સ્વભાવથી અનંત ધર્મનું જ્ઞાન થાય. નય માનસિક જ્ઞાન છે, ઓલું અતીન્દ્રિયજ્ઞાન છે.
૧૧૬. બે નયને જાણે છે જ્ઞાની. ક્રમે જાણવું એ જાણવું જ નથી. દ્રવ્ય-પર્યાયસ્વરૂપ આખી વસ્તુ અક્રમે જણાઈ જાય છે.
૧૧૭. ભગવાન જે આત્મા સામાન્ય જ્ઞાયકભાવ છે, એ અનાદિ-અનંત પોતાના સ્વભાવથી જ શુદ્ધ છે. અશુદ્ધતા ટળે તો શુદ્ધ છે, એમ પણ નહિ, અને 'હું શુદ્ધ છું' એવો વિકલ્પ કરે તો શુદ્ધ છે, એમ પણ નહિ.
૧૧૮. વ્યવહારનયથી વિચારે તો પણ પ્રમાણમાં અને નિશ્ચયનયથી વિચારે તો પણ પ્રમાણમાં આવી જાય છે. સાપેક્ષ છે ને, એટલે.
૧૧૯. નયો દ્વારા સમજાવવામાં આવે છે પણ નયોથી વસ્તુ તને અનુભવમાં નહિ આવે, અનુમાનમાં આવશે પણ અનુભવમાં નહિ આવે.
૧૨૦. શ્રદ્ધાના બળે જ ઉપયોગ અંદરમાં આવે છે. શ્રદ્ધા વિપરીત છે અનંતકાળથી. શ્રદ્ધાનો દોષ પહેલો ટળે છે, પછી ચારિત્રનો દોષ ટળે છે.
૧૨૧. વ્યવહારનય સંયોગને બતાવે છે, નિશ્ચયનયનય સ્વભાવને બતાવે છે. બન્નેને વિકલ્પાત્મક નય છે.
૧૨૨. લોકો જ્ઞાનના બળ ઉપર ચાલ્યા ગયા, શ્રદ્ધાનું બળ જોઈએ.
૧૨૩. જ્ઞાન નિર્બળ છે, સવિકલ્પ છે. શ્રદ્ધા નિર્વિકલ્પ છે. શ્રદ્ધા અભેદગ્રાહી છે, જ્ઞાન ભેદાભેદગ્રાહી છે.
૧૨૪. નિશ્ચયનયથી અકર્તા છું એમ નહિ, સ્વભાવથી જ અકર્તા છું. નિશ્ચયનયથી જ્ઞાતા છું એમ નહિ, સ્વભાવથી જ જ્ઞાતા છું.
૧૨૫. નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે અને સ્વભાવ નિશ્ચયનયનો નિષેધ કરી અને અનુભવ કરાવે છે.
૧૨૬. વ્યવહારનય તો અન્યથા કથન કરે છે. નિશ્ચયનય તો જેવું સ્વરૂપ છે એવું પ્રતિપાદન કરે છે. પણ તેથી શું?
૧૨૭. સ્વભાવનું જોર આવતા વિકલ્પ સહેજે છૂટે છે. છોડતો નથી, વિકલ્પની ઉત્પત્તિ થતી નથી.
૧૨૮. વિકલ્પને છોડતો પણ નથી અને નિર્વિકલ્પને કરતો પણ નથી, એ તો જ્ઞાયકને જાણે છે - ત્યાં આ સ્થિતિ ભજી જાય છે.
૧૨૯. વિકલ્પનો અર્થ ખંડજ્ઞાન છે, વિકલ્પનો અર્થ રાગ પણ છે.
૧૩૦. પહેલા વ્યવહારનો નિષેધ એને વિકલ્પ દ્વારા કરવો પડે. પછી જ્યારે એવો નિશ્ચયનયનું જોર આવી જાય છે ત્યારે એને નિષેધ માટે વિકલ્પ નથી કરવો પડતો, વિકલ્પ વિના નિષેધ વર્ત્યા કરે છે.
૧૩૧. આત્માનો આશ્રય આવ્યો નથી અને નિશ્ચયનયના વિકલ્પનો પક્ષ રહ્યા કરે છે. જ્યારે આત્માનો આશ્રય આવે, ત્યારે નિશ્ચયના પક્ષનો વિકલ્પ છૂટી અને અનુભવ થઈ જાય.
૧૩૨. વ્યવહારનો નિષેધ એ વિકલ્પનો દુરુપયોગ. સ્વભાવ ગ્રહણ કર્યો વિકલ્પમાં, તો વિકલ્પનો સદુપયોગ થયો. એ વિકલ્પનો જે સદુપયોગ રહે છે, એ વિકલ્પ તૂટવાવાળો છે. જે વિકલ્પમાં દુરુપયોગ છે, તે વિકલ્પ તૂટે નહિ.
૧૩૩. પર તો જણાતું નથી પણ મારા વિશેષમાં સામાન્ય જણાય છે એવો જે વિકલ્પ, એક અપેક્ષાએ એ સદુપયોગ છે, વ્યવહારની અપેક્ષાએ. પણ એ વિકલ્પની પણ અધિકતા નથી આવતી. અધિકતા જો આવી જાય તો નિશ્ચયનય રહેતી નથી.
૧૩૪. વિકલ્પમાં સ્વભાવની અધિકતા હોય એટલે આ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ અવશ્ય થાય એને.
૧૩૫. સ્વભાવના લક્ષે જ સ્વાધ્યાય કરવો, નિમિત્તના લક્ષે નહિ, ભેદના લક્ષે નહિ, રાગના લક્ષે નહિ, ઉઘાડના લક્ષે નહિ. એમાં ઉર્ધ્વ આત્મા, આત્મા આવવો જોઈએ, બસ, તો જ સ્વાધ્યાય સાચું.
૧૩૬. સ્વભાવથી જુઓ તો વિકલ્પ છૂટી જશે. નયથી જોયા કરશો તો વિકલ્પ રહેશે.
૧૩૭. સ્વભાવથી વિચારતા અને સ્વભાવથી અનુભવતાં, એ બન્નેમાં ફેર છે. સ્વભાવથી વિચારતા એ માનસિક છે.
૧૩૮. 'હું સ્વભાવથી જ શુદ્ધ છું' -એમાં વ્યવહારનયે અશુદ્ધ છું, એ દોષ છૂટી જાય છે અને નિશ્ચયનયે શુદ્ધ છું એ વિકલ્પ છૂટી જાય છે.
૧૩૯. એવો દ્રવ્ય સ્વભાવ ત્રિકાળી છે કે જે પરિણામ થાય એને કરે પણ નહિ અને પરિણામ થાય એને જાણે પણ નહિ. એવો દ્રવ્ય સ્વભાવ નિષ્ક્રિય પરમાત્મા છે.
૧૪૦. સ્વભાવથી જ અકારક અને અવેદક છે. કોઈ પણ થતા પરિણામને કરે નહિ અને થતા પરિણામને ભોગવે નહિ.
૧૪૧. જૈનદર્શન વસ્તુ-દર્શન છે. એના બે ભેદ, દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ. દ્રવ્ય નિષ્ક્રિય અને પર્યાય સક્રિય, અનાદિ-અનંત બન્ને. પોતપોતાના ધર્મને, સ્વભાવને છોડતા નથી.
૧૪૨. પ્રમાણથી એક સત્તા છે, નય વિભાગથી જુઓ તો બે સત્તા છે. સ્વભાવથી જુઓ તો પણ બે સત્તા છે, જુદી-જુદી. અભેદનયે એક સત્તા છે, ભેદનયે બે સત્તા છે. વસ્તુનું સ્વરૂપ છે આવું.
૧૪૩. અજ્ઞાની હોય, સાધક હોય, પરમાત્મા હોય, પર્યાયમાં કર્તા અને ભોક્તાપણું પર્યાયનું સ્વભાવથી થયા કરે છે.
૧૪૪. થવા યોગ્ય થાય છે, જાણનાર જણાય છે. જાણનારને જેણે જાણ્યો એને એમ ભાસે છે કે થવા યોગ્ય થાય છે.
૧૪૫. આત્મા અકારક અને અવેદક છે, મૂળ વાત એ છે. પર્યાય કરે છે ત્યારે દ્રવ્ય અકર્તા રહે છે.
૧૪૬. આત્મા કર્તા-ભોક્તા છે એવી ભ્રાંતિ અનાદિકાળથી છે, તો પણ આત્મા કર્તા થતો નથી, અકર્તાપણું છોડતો નથી.
૧૪૭. મિથ્યાત્વના પરિણામને જીવ કરે છે એ ઉપચારનું કથન છે, વ્યવહારનું કથન. એ ઉપચાર જે વ્યવહાર છે એ તને સત્યાર્થ લાગ્યો છે એટલે તારું અજ્ઞાન રહી ગયું.
૧૪૮. ગુરુદેવે એ બે ભાગ જુદા પાડયા - દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ -એની વાત (પ્રવચન રત્નાકરના) ૧૧ ભાગ તમે વાંચો તો એમાં મળશે.
૧૪૯. આત્માને અકર્તા રાખીને પર્યાય પર્યાયને કરે છે એમ જાણો. એમ જાણો કે હું તો અકર્તા છું અને પરિણામ પરિણામથી થાય છે.
૧૫૦. કરવું-ભોગવવું એ તો પર્યાયનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ નથી. જીવ તો અકારક-અવેદક નિષ્ક્રિય પરમાત્મા છે.
૧૫૧. મિથ્યાત્વની પર્યાય થાય ત્યારે મિથ્યાત્વની પર્યાયનો ભગવાન આત્મા અકર્તા છે. એ મિથ્યાત્વની પર્યાય ટળી જાય ત્યારે અકર્તા થયો, એમ નથી. એ તો પ્રથમથી જ અકર્તા છે.
૧૫૨. પર્યાય મિથ્યાત્વને કરે છે, સમ્યગ્દર્શનને કરે છે, કેવળજ્ઞાનને કરે છે. એવો પર્યાય સ્વભાવ છે એને જાણવાનો નિષેધ નથી, પણ 'હું કરું છું' એનો નિષેધ છે.
૧૫૩. પર્યાયના કર્તા-ભોક્તા ધર્મો જેમ છે એમ જણાઈ જાય છે. જણાઈ જાય છે, એને જાણતો નથી, લક્ષ નથી ને ત્યાં.
૧૫૪. પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે. થવા યોગ્ય થાય છે એ જણાતું નથી, જાણનાર જણાય છે.
૧૫૫. પર્યાયને હું કરું છું એ કર્તાબુદ્ધિ છોડી દે કે નિશ્ચયે પણ કર્તા નથી અને વ્યવહારે પણ કર્તા નથી. તો વ્યવહાર કરવો હોય તો શું કહેવો? કે વ્યવહારે એને જાણે છે, એટલું કહીએ.
૧૫૬. ભાષા બોલે છે વ્યવહારનયે કર્તા અને માને છે નિશ્ચયે કર્તા, એમ માઈલ્લ ધવલમાં પાઠ આવ્યો.
૧૫૭. દ્રવ્ય નિશ્ચયે કે વ્યવહારે કર્તા જ નથી કેમ કે થવા યોગ્ય પરિણામ થાય છે, માટે કર્તાપણું દ્રવ્યને લાગુ પડતું નથી.
૧૫૮. સમ્યગ્દર્શનનો નિશ્ચયે તો કર્તા નથી, વ્યવહારે પણ કર્તા નથી. વ્યવહારે કર્તા નથી એટલે એની હાજરી છે તો અહીંયાં થાય છે, એમ નથી.
૧૫૯. ઉપાદાનકર્તા પર્યાય અને નિમિત્તકર્તા જૂના કર્મનો અભાવ. પણ ઉપાદાનકર્તા આત્મા પણ નહિ અને નિમિત્તકર્તા પણ આત્મા નહિ.
૧૬૦. પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે છે એમ લઇશ તો આત્મા વ્યવહારનયે પર્યાયનો કર્તા છે એમ આવી જશે!
૧૬૧. ગુરુદેવે જ પર્યાય સ્વભાવની વાત કરી છે, ષટ્કારક એનાથી થાય છે, એની જન્મક્ષણ છે, એનો સ્વકાળ છે. આત્માથી પર્યાય થતી નથી.
૧૬૨. જ્ઞાનમાં સ્વચ્છતા છે - પર્યાય જણાઈ જાય છે. જાણવાનો પ્રયત્ન કરે અને જણાય, એમ નથી. સહેજમાં જણાઈ જાય છે.
૧૬૩. પહેલા પર્યાયને જાણવાનો નિષેધ કર્યો કારણ કે પર્યાયદૃષ્ટિ હતી. પર્યાયદૃષ્ટિ હતી એને છોડાવી, અનુભવ થયો તો દ્રવ્ય-પર્યાય એક સમયમાં બધું જણાય છે બસ! ધર્મીને જાણતાં ધર્મો પણ જણાઈ જાય છે.
૧૬૪. થવા યોગ્ય થાય છે, એ પર્યાયનો સ્વભાવ છે એમ તું જાણ. કર્તાબુદ્ધિ છૂટે અને જ્ઞાતાબુદ્ધિ છૂટે, સાક્ષાત્ જ્ઞાતા થાય.
૧૬૫. સ્વભાવને જાણવામાં નયની જરૂર નથી, પણ નયાતીત જ્ઞાનની તો જરૂર છે.
૧૬૬. પર્યાયને વ્યવહારે કરું એમ નથી. ભેદમાં છો તો પર્યાયને વ્યવહારે જાણું, એટલું રાખ. અભેદમાં તો એ પણ નથી, પર્યાયને જાણતો નથી. અભેદનયે તો પર્યાય પોતે આત્મા થઈ જાય છે.
૧૬૭. પર્યાયને પર્યાયના સ્વભાવથી જુઓ તો આત્મા એનો કર્તા છે એ ભૂલ નીકળી જશે.
૧૬૮. બન્ને સ્વભાવ ખ્યાલમાં આવી ગયા એનું નામ જ્ઞાતા બની ગયો.
૧૬૯. બે સ્વભાવ જ છે, (૧)દ્રવ્ય સ્વભાવ અને (૨)પર્યાય સ્વભાવ. સમજવા જેવું આ આટલું જ છે. આ રીતે જ સમજવા જેવું છે.
૧૭૦. પર્યાયના સ્વભાવને જાણે તો દ્રવ્યનો સ્વભાવ દૃઢ થાય અને દ્રવ્યનો સ્વભાવ જાણે તો પર્યાયનો સ્વભાવ દૃઢ થઈ જાય.
૧૭૧. દ્રવ્ય અકર્તા છે એવો સ્વભાવ જાણે તો પર્યાયનું કર્તાપણું ન રહે. અને પર્યાય સ્વયં કરે છે તો કર્તાનો ઉપચાર નીકળી જાય. કર્તાની બુદ્ધિ પણ નીકળે અને કર્તાનો ઉપચાર પણ નીકળે. બે ગુણ થાય, પહેલા સમ્યગ્દર્શન, અને પછી વિશેષ અનુભવ - શ્રેણી.
૧૭૨. દ્રવ્ય અકર્તા સ્વતંત્ર છે, પર્યાય કર્તા સ્વતંત્ર છે - બન્ને શાશ્વત સ્વતંત્ર છે.
૧૭૩. દ્રવ્ય સ્વભાવમાં બેઠો બેઠો એટલે દ્રવ્યને લક્ષમાં લેતો-લેતો પર્યાયનો જ્ઞાતા થઈ જાય છે, પર્યાયનું લક્ષ નથી.
૧૭૪. નયથી વિચાર કરે છે ત્યાં સ્વભાવનો અનુભવ ન થયો, વિકલ્પનો અનુભવ થયો, જ્ઞાનનો અનુભવ ન થયો, રાગનો અનુભવ થયો.
૧૭૫. દ્રવ્ય સ્વભાવને જાણતાં સમ્યગ્દર્શન થાય અને પર્યાય સ્વભાવને યથાર્થ જાણે તો ક્ષાયિક થઈ જાય.
૧૭૬. અકર્તામાં બેઠા બેઠા કર્તાધર્મને જાણે છે. અકર્તા સ્વભાવને છોડે તો? કર્તાબુદ્ધિ થાય. કોઈને ન જાણી શકે, અજ્ઞાન થઈ જાય.
૧૭૭. નિશ્ચયનયનો વિકલ્પ પણ અનુભવમાં બાધક છે. નિર્ણય માટે સાધક છે પણ અનુભવમાં બાધક છે.
૧૭૮. જાણનારો જણાય છે એમાં ચાલ્યા જાઓ. જણાય જશે.
૧૭૯. હું સ્વભાવથી જ્ઞાયક છું. નિશ્ચયનયથી જ્ઞાયક છું, એમ નથી.
૧૮૦. પર્યાયના મૂળ સ્વભાવને મૂળમાંથી જુઓ.
૧૮૧. પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયથી છે, તો વ્યવહારે કોણ કરે છે? કે આત્મા (વ્યવહારે) કરે છે, એ આવી જશે.
૧૮૨. પર્યાયનો કર્તા પર્યાય સ્વભાવથી જ છે.
૧૮૩. એકલા જ્ઞાનમાં આનંદ આવે છે. નયવાળા જ્ઞાનમાં આનંદ આવતો નથી.
૧૮૪. ધ્યેય, જ્ઞેય થાય છે અને પછી ફળમાં, જ્ઞેય - સામાન્ય-વિશેષાત્મક આખો આત્મા, જ્ઞેય થઈ જાય છે.
૧૮૫. ઉપાદેયપણે પણ એક જ્ઞેય, જ્ઞાયક - સામાન્ય. અને જાણવાની અપેક્ષાએ પણ અભેદ જ્ઞાનપર્યાય-પરિણત આખો આત્મા સામાન્ય-વિશેષ બન્ને, એ જ્ઞેય.
૧૮૬. વિકલ્પ દ્વારા બે નયોનો જ્ઞાતા ન થઈ શકે (અને) વિકલ્પ રહિત અતીન્દ્રિયજ્ઞાન, અનુભવ થાય ત્યારે બે નયોનો સાક્ષાત્ જ્ઞાતા છે.
૧૮૭. અનુભવનો વિષય અને અનુભવ, સમજી ગયા? ભેદ કરો તો બન્નેને જાણે છે, અભેદથી એકને જાણે છે અને પ્રમાણથી ભેદાભેદને જાણે છે. એ કાંઈ નથી, એક જ્ઞાનની પર્યાય જણાય છે, બસ!
૧૮૮. દ્રવ્યને દ્રવ્ય સ્વભાવથી જાણે છે, પર્યાયને પર્યાય સ્વભાવથી જાણે છે. દ્રવ્યને દ્રવ્યાર્થિકનયથી નથી જાણતો, પર્યાયને પર્યાયાર્થિકનયથી નથી જાણતો. એટલે કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થયા વિના બન્નેનો જ્ઞાતા થઈ ગયો.
૧૮૯. ભગવાન આત્મા જ્ઞેય થઈ ગયો. જ્ઞાન પણ એક, જ્ઞેય પણ એક અને જ્ઞાતા પણ એક. જ્ઞેય બે, જ્ઞાન બે અને જ્ઞાતા બન્નેનો, એમ નથી.
પૂજ્ય ભાઇશ્રીની નિશ્રામાં થયેલા પ્રકાશનો |
ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી
દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવ (ગુજરાતી)
ભેદજ્ઞાન ભજનાવલી
શ્રી કુંદકુંદ કહાનામૃત સ્વાધ્યાય હોલના પ્રકાશનો
|
૧. જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન | ૨. દ્રવ્યસ્વભાવ-પર્યાયસ્વભાવની ચર્ચા |
૩. જાણનારો જણાય છે | ૪. આત્મજ્યોતિ |
૫. ચૈતન્ય વિલાસ | ૬. શુદ્ધ અંત:તત્ત્વ |
૭. મંગલ જ્ઞાનદર્પણ ભાગ-૧ | ૮. જ્ઞાયક સ્વરૂપ પ્રકાશન |
૯. અનેકાંત અમૃત | ૧૦. જ્ઞાનનું જ્ઞાનત્વ |
૧૧. પૂજ્ય 'ભાઈશ્રી'ના સિદ્ધાંતોની સરવાણી | ૧૨. બુંદ બુંદમાં અમૃત |
૧૩. લંડનના પ્રવચનો ભાગ-૧ | ૧૪. નયચક્ર તત્ત્વચર્ચા |
૧૫. આધ્યાત્મિક જ્ઞાનગોષ્ઠી ભાગ-૧ | ૧૬. ચિસ્વરૂપ જીવ |
૧૭. સત્ અહેતુક જ્ઞાન | ૧૮. ‘બે ભૂલ’ - ‘दो भूल’ |
૧૯. દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવ (ગુજરાતી અને હિન્દી) | ૨૦. દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ - અપૂર્વ સ્પષ્ટીકરણ (ગુજરાતી) |
૨૧. દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ - અપૂર્વ સ્પષ્ટીકરણ (હિન્દી) |
|
(હરિગીત)
સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી,
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તે સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટુપ)
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા,
ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી)
અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી,
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી;
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રીડિત)
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા,
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા)
સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય,
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલ જ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટુપ)
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.